લેખ
"પુસ્તકો સાચી દુનિયા બતાવે છે "
લેખન - મિનેષ પ્રજાપતિ
આચાર્ય ગાડીયારા શાળા ,કપડવંજ
૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે.યુનેસ્કો દ્વારા ૧૯૯૫ થી સમગ્ર વિશ્વમાં સાક્ષરતાનો સંદેશો આપવા ઉજવવામાં આવે છે. ત્યારે આવો સાચી દુનિયાના દર્શન પુસ્તકો માં કરીએ ....
કેટલાક વર્ષ પહેલા સરકાર વાંચે ગુજરાત અભિયાન દ્વારા પુસ્તક વાંચન રસ કેળવ્યો હતો . પણ આપણને ગયા મહિને શું કાર્ય કર્યું તે યાદ નથી તો આ ક્યાંથી યાદ આવે ...
મિત્રો કહેવાય છે પુસ્તકોજ સાચા મિત્રો છે .તેની અદભુત દુનિયા છે . સમાજનું દર્પણ છે. ગુણવંત શાહ કહેતા જે ઘર માં પુસ્તક નથી તે ઘર સ્મશાન સમાન છે.
એક કહેવત પ્રમાણે એક વર્ષનું આયોજન કરો છો તો અનાજ વાવો,10 વર્ષનું આયોજન કરો છો તો વૃક્ષ વાવો અને ૧૦૦ વર્ષનું આયોજન કરો છો તો માનવ વાવો . 21મી સદી ભારતની સદી છે. જ્ઞાનની સદી છે. આ માનવ વાવવા માટે જીવન ઘડતર કરવું પડશે. જીવન ઘડતર કરવા વાંચન કરવું પડશે.
સમાજમાં લીડર બનવા રીડર બનવું પડશે. જેનું વાંચન સારું તેનું જીવન સારું જેનું જીવન સારું,તેના વિચારો સારા જેના વિચારો સારા તેનું વર્તન સારું, જેનું વર્તન સારું તેનું બોલવાનું સારું,
યાદ રાખો જે દિવસથી લોકો પુસ્તકની લાઈનમાં ઊભા રહેશે પછી બેરોજગારની કે અન્ય લાઈનમાં નહીં ઉભા રહેવું પડે.
સિંગાપુરમાં કુલ ૫0 લાખ લોકો છે. જેમાંથી ૨૦ લાખ લોકો લાઇબ્રેરીના સભ્ય છે. લાયબ્રેરીમાં દર વર્ષે 2. 5 કરોડ લોકો મુલાકાત લે છે. રોજ ૮૦ હજારથી વધુ પુસ્તકો વંચાય છે. અને એટલે તે વિચારે છે . જીવનમાં શું બનવું છે તે નહીં શું કરવું છે તે નક્કી કરો પછી જે બનવું છે તે આપો આપ બની જશો.
જે સમાજ વાંચન દ્વારા દુઃખનું કારણ શોધી શકતો નથી તે સમાજ સુખનું કારણ પણ શોધી શકતો નથી. વાંચનથી જીવનમાં ધ્યેય લક્ષ મળે છે. અને તેથી જ્યાં પોચવું હોય ત્યાં પહોંચી શકાય છે. યાદ રાખો શિક્ષકે અને વાચકોએ વાંચનની ભૂખ જગાડવી પડશે અને બીજાને પણ વાંચતા કરવા પડશે, કહેવાય છે જુના પુસ્તકોનું કદ વધે છે, ફાટે તેની ચિંતા ન કરો વાંચે તેની ચિંતા કરો. આજે સમાજમાં સજ્જનોની નિષ્ક્રિયતાના કારણે સમાજ નરકમાં ધકેલાતો દેખાય છે. કળયુગ ના પડઘમ સંભળાય છે.
ટીવી અને મોબાઈલએ માણસની સંકુલિત વૃત્તિ ઊભી કરી છે. ટીવી અને મોબાઇલની મર્યાદા ના કારણે સાચું રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીત અને અન્ય મહત્વની બાબતો ખોવાઈ ગઈ છે. આપણને તેથી જ નીતિન ભારદ્વાજ માં ભગવાન દેખાય છે. ૨૩ માર્ચ વિશ્વ પુસ્તક દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે પણ રોજ ૧૦ પાન વાંચવાનો આગ્રહ રાખીએ. ત્યારે ગુજરાતમાં સુકાઈ ગયેલા છોડ પર કૂપણો ફૂટશે. તેનો પરિણામ પાંચ વર્ષ પછી દેખાશે . એક કહેવત અનુસાર 70% લોકો 10% લોકો દોરે ત્યાં જાય છે. અત્યારે મોબાઈલ અને ટીવી એ શિક્ષકનું અસ્તિત્વ મિટાવી દીધું છે. 500 વર્ષ પછી લોકો ટીવી અને મોબાઈલ ને કદાચ ઋષિ કહેશે.
ધ્યાન રાખો ઘરમાં આવનારને પેપ્સી નહિ પુસ્તક આપો, બુકે નહિ બુક આપો. ચાંલ્લો નહી ચોપડી આપો , લગ્નમાં પુસ્તક આપો, જન્મદિવસે પુસ્તક આપો, બાળકને કપડાં અને ચંપલ ની દુકાને લઈ જઈએ છીએ પરંતુ કોઈક દિવસ લાયબ્રેરીમાં પણ લઈ જઈએ..
શિવાજી,સ્વામી વિવેકાનંદજી , પૂજ્ય પાંડુરંગ દાદા ,પ્રમુખ સ્વામી મહારાજ, અબ્દુલ કલામ , જેવા મહા માનવો પણ પુસ્તકનું રસ પાન કરી દુનિયાને સાચા ભારતના દર્શન કરાવી શક્યા તો આવો આપણે પણ પુસ્તકોને સાચા મિત્ર બનાવી જીવન ધન્ય બનાવીએ......
જય પુસ્તક.......